વર્જીન(VIRGIN)





                               વર્જીન નદીના કિનારે સાઇકલ લઈને ચાલતા જતા વર્જીન છોકરાએ સાઇકલ લઈને ચાલતી જતી વર્જીન કન્યાને પૂછ્યું: "તુ વર્જીન છે?"

વર્જીન કન્યાએ કહ્યું: કેમ બધી વખતે સ્ત્રીઓ જ વર્જીનીટીનુ પ્રમાણ આપવુ પડે છે? અને જો આંકડા જોઇએ તો પુરુષોમાં વર્જીનીટી વૈવાહિક પ્રસંગો વિના નિચ્છેદ થઈ ગઈ હોય છે."

વર્જીન છોકરો: "વર્જીનીટી એક પવિત્ર બાબત છે અને જો વાત આંકડાઓની કરીએ તો એવું એટલા માટે હોય છે કારણ સમાજના મુળભુત આદર્શોમાં વર્જીનીટી અંગે પુરુષોને છુટછાટ છે પણ સ્ત્રીઓને નહી."

વર્જીન કન્યા: "એટલે વૈવાહિક જીવન બાદ પણ જો વ્યક્તિ પોતાની વર્જીનીટી દૂર કરે તો તે વ્યક્તિ અપવિત્ર થઈ જાય? સંસારની ઉત્પતિની પ્રક્રિયાથી અપવિત્રતા કેવી રીતે જોડાયેલી છે? અને છુટછાટ વાળી વાત જેવી દંભી અને ખોખલી વાત એકેય હોય ન શકે, કેમ કોઇ એક જાતી માટે જ એવી છુટછાટ? એવી છુટછાટ આપી કોણે?

વર્જીન છોકરો: "વિવાહ પછી જાતીય સંબંધ સ્વિકાર્ય હોય છે. એ પહેલા જાતીય સંબંધ બાંધવાથી ગર્ભ વિકસતા પરિણામ અસામાજિક આવી શકે છે.

વર્જીન કન્યા: જો વિવાહ પછી જ જાતીય સંબંધ સ્વિકાર્ય હોય તો પુરુષોએ પણ વિવાહ સુધી વર્જીનીટી જાળવવી જોઈએને. હજુ પણ પ્રશ્ન એ જ છે આવુ બધુ નક્કી કોણે કર્યું?"

વર્જીન છોકરો: "કુદરતી રીતે પુરુષો પોતાની જાતીય ઈચ્છાઓને રોકી શકતા નથી સ્ત્રીઓના પ્રમાણમાં...”

વર્જીન કન્યા: “તો તમારી પાસે વેસેક્ટોમિનો વિકલ્પ છે જ, તમારી નિર્બળતાના કારણે અન્ય પર રોક કેમ લગાવવી? સ્ત્રીઓ પુરુષો કરતા જાતિય ઈચ્છાઓને રોકી શકે એવુ કેમ માની લીધું છે? જો એવું જ હોય તો સંભોગના શિખરની ક્ષણ સ્ત્રીઓમાં પ્રથમ આવવી જોઈએને, જો સ્ત્રીઓ ખરેખરમાં પોતાની જાતિય ઇચ્છાઓને રોકી શકે પુરુષોની તુલનામાં તો દેહવેચાણ અને વેશ્યાવૃત્તિ પુરુષોમાં વધારે જોવા મળવી જોઈએ નહીં કે સ્ત્રીઓમાં.”
વર્જીન છોકરો: “પણ, એ શક્ય નથી ને.”

                               વર્જીન કન્યા: “હા, એ શક્ય કેમ નથી એ પણ હું તને કહું... એ શક્ય એટલા માટે નથી કારણ કે આજ થી વર્ષો પહેલા જ્યારે સજીવશ્રુષ્ટિ ઊભી ન હતી થઈ, પૃથ્વી એક ધગધગતો આગનો ગોળો હતો, એ પછી ધીમે ધીમે તે આગ ઠંડી પડવા લાગી અને જમીન ઊગી, પછી પૃથ્વીનુ અધ:પતન થયુ, ફરી પૃથ્વી આગનો ગોળો બની ગઈ સૂર્યની માફક. એના હજારો વર્ષો પછી એ ગોળાનું કદ સંકોચવા લાગ્યુ, તેની ગરમી ઘટવા લાગી, તેની ઉપર રેતી, પથ્થર અને જમીનનુ આવરણ ઉપસવા લાગ્યુ, ત્યાર બાદ એક ભાગમાં વિશાળકાય જમીન ઊગી, પાણી નામે અખૂટ જથ્થો ભેગો થયો.

                               વનસ્પતિ ઊગી, જીવાણુ ઉદભવ્યા, વાતાવરણ બન્યુ, એ પછી ડાઈનોસોર આવ્યા, પછી જ્વાળામુખીઓ હરકતમાં આવ્યા, લાવા રસ બ્હાર આવ્યો, પૃથ્વીના કોરની આસપાસની પ્લેટો છૂટી પડી, મહાવિનાશનો આરંભ થયો. વિશાળકાય જમીનનો ભાગ છૂટો પડવા લાગ્યો. એ વિશાળકાય ભાગ ૭ નાના મોટા ભાગમાં છૂટો પડ્યો.

                               આવી વિનાશકારી ઘટનાઓ ઘટ્યા પછીના બે હજાર વર્ષો બાદ આદિ માનવ સમો માનવી આવ્યો, પ્રદેશો અને જંગલોમાં કબિલા બનવા લાગ્યા. જે વધારે શક્તિશાળી હતો એ કબિલાનો સરદાર/આગેવાન બનતો. એ સમયે એ લોકોએ એમને અનુકૂળ સામાજિક વ્યવસ્થાઓ અને સામાજિક ભૂમિકાઓ નક્કી કરી. જેનો શરીરનો બાંધો ખડતલ હતો એ શિકાર કરવા અથવા ધાડ પાડવા જતો, બીજી અન્ય જાતિને પ્રાથમિક જરૂરિયાતોને લગતા કામ સોંપવામાં આવ્યા. આ સંજોગમાં જે કામ વધારે જોખમવાળુ હતુ, એ કરવાવાળાને લોકો પ્રાધાન્ય આપવા લાગ્યા. એ વ્યક્તિ સર્વોપરી ગણાવા લાગી. જેના કારણે કબિલાનુ સરદારપણુ, સત્તાધિકાર મેળવનાર વ્યક્તિએ મૂળભૂત નિયમો બનાવ્યા. જેમાં જાતિગત ભૂમિકા અને પ્રાદેશિક રીતભાતો નક્કી કરવામાં આવી. જે જાતિ કમાય છે, જરૂરિયાતો પૂરી પાડે છે, એનામાં એક જાતનુ માલિકીપણુ આવવા લાગ્યુ. સર્વોચ્ચ હોવાની એક ભાવના ઉદભવા લાગી. આ ભાવનાના કારણે સામાજિક માન્યતાઓ અને નિયમો ઘડાયા.

                               આ નિયમો ક્યારેક યોગ્ય હોતા તો ક્યારેક વિચિત્ર અથવા પૂર્વગ્રહિત અને પક્ષપાતી હોતા. એક જાતિને સદાય સહન કરવાનુ આવતુ, તેને દબડાવામાં આવતી, તેના પર હક/માલિકીપણુ દાખવવામાં આવવા લાગ્યુ. આ વાત છે ૭ છૂટા પડી ગયેલા જમીનના ભાગની અને એના પર ક્યારેક શ્વાસ લઈને વિલીન થઈ ગયેલા માનવીઓ અને અત્યારે પણ વજૂદ ધરાવતા સૌ મનુષ્યોની. અભિનંદન તુ અને હું આ તમામ માં આવીએ છીએ. આ સરદારોએ, આ આગેવાનોએ, માલિકીપણુ દાખવતા આ લોકોએ સમાજની રચના કરી છે. તેના પાયા ઊભા કર્યા છે. એમણે નક્કી કરી દીધુ સ્ત્રીઓ એક ચોક્કસ સમય સુધી વર્જીન રહે પુરુષો નહી. કેમ?
એમના હાથમાં સત્તા આવી, એમણે બળનો ઉપયોગ કરી જાણે છે એટલે એમણે નક્કી કરી લેશે બીજી જાતિએ ક્યારે વર્જિનિટી છોડવી?

                               તમે એવી માન્યતાઓ અને ધારાધોરણો ઊભી કરી જેનાથી અમે બંધાઈ જઈએ. આ સમાજે એવી સમાજવ્યવસ્થા ગોઠવી છે, જેમાં હંમેશને સ્ત્રીઓને અંકુશમાં રાખવામાં આવે અને અનુમાન લગાવી જોવો આ સમાજવ્યવસ્થા નક્કી કરનાર કોણ હશે? એક પુરુષ જ ને. મનુસ્મૃતિમાં જેમ વર્ણના ભાગ પડ્યા એમ જાતિના પણ ચોક્કસ વ્યવહારના ભાગ પડ્યા. સમકાલીન પરિસ્થિતિમાં સામાજિક કોમી ભેદભાવ માટે મનુસ્મૃતિને લોકો કારણભૂત ગણાવે છે પણ કોઈ જાતિગત દુષ્ટાચાર કે ભેદભાવ માટે મનુસ્મૃતિને કોઈ દોષ આપતુ નથી.

                               જેમ દલિત કોમ માટે ડો.બાબાસાહેબ આંબેડકરે પોતાની જાતિના લોકો માટે બંધારણમાં નિયમો ઘડયા. એમ પુરૂષ જાતિએ યુગો પહેલા પોતાની સુગમતા માટે એવા ધારાધોરણો સ્થાપ્યા જેનાથી એમને સરળતા રહે. આ બધામાં જેણે પોતાની સહૂલિયત માટે નિયમો ઘડયા, એ કદાચ એ સમય માટે યોગ્ય હોય શકે છે પણ એ જ ધારાધોરણો વર્તમાન પરિસ્થિતિમાં પણ લાગુ કરવુ એ જડતા કહેવાય.

                               દરેક ધર્મએ હંમેશા સ્ત્રીઓ પર વસ્તુલક્ષી વલણ દાખવ્યુ છે. એ વર્જીન મેરી હોય, ૯ વર્ષની આઇશા હોય કે કુંતી હોય. આ નામો પર અલગ અલગ મતમતાંતર હોવાના જ પણ આવા પાત્રોની વચ્ચે સામાન્ય બાબત એ છે કે તેમણે જે કઈ વલણ અપનાવ્યુ, જે કઈ નિર્ણય કર્યા એ સમાજને ધ્યાનમાં લઈને નિર્ણય કર્યા અથવા કરાવામાં આવ્યા. ઉપર જણાવ્યુ એમ આ સમાજની રચના કરનાર કોણ? એક પુરુષ. આવી બધી વાતો કહેવાતા ફેમિનીઝમ વાળા લોકો નહીં કરે. કારણ આપણે ધર્મના એવા દેશમાં રહીએ છીએ જ્યાં માનવી કરતાં ધાર્મિક લાગણી પ્રત્યે લોકો વધુ સંવેદનશીલ છે. માટે એ લોકો પણ ધર્મથી ખરેખર ડરતા લાગે છે.

                               કહેવા માટે તો આવુ ઘણુ છે ક્રુષ્ણની રાસલીલા, ભષ્માસુર સાથેના સંઘર્ષમાં ઇન્દ્રના સ્ત્રી કામણ રૂપથી મોહિત થયેલા ભગવાન શંકર, વર્જીન મેરી અને જીસસના સબંધ અંગે ઉઠતાં પ્રશ્નો, મોહમ્મદ અને તેમની ૯ વર્ષની પત્ની વગેરે વગેરે પણ આમની વાતો કરી, ધર્મને વખોડવાનો કોઈ અર્થ નથી, કારણ જે આમનામાં શ્રદ્ધા નથી ધરાવતા એમને ઝાઝો ફર્ક નહી પડે અને જે ધરાવે છે, એ આ વાતો પર ચિંતન નહી કરી શકે.” વર્જીન કન્યા એ કહ્યુ.

                               ત્રણ રસ્તા આગળ એક પોસ્ટર લગાવ્યુ હતુ. જેના પર દર્શાવ્યુ હતુ: “અમેરિકાએ સ્પેસ એક્સ યાન મંગળ પર મોકલ્યુ. સંભાવના છે કે ત્યાં જીવન શક્ય થઈ શકે છે.” આ જોઈ વર્જીન છોકરાએ કહ્યુ: “આપણે કીચડના દલદલમાં એવી રીતે ફસાઈ ગયા છે કે જો પગ બ્હાર નીકાળવા જઈશુ તો મોઢું અંદર જતું રહેશે અને હાથ નીકળવા જઈશું તો પગ અંદર જતાં રહેશે, ખરેખરમાં તો આપણે સૌ નીચે જ જઇ રહ્યા છીએ. મંગળ પર જીવન શક્ય છે. જો કદાચ ત્યાં એક નવી શરૂઆત થાય તો આપણે નવા ધારાધોરણો બનાવીશુ. હા, સ્ત્રીઓએ પણ એમાં જોડાવુ પડશે. હું ત્યાં તને મળીશ.”

ત્રણ રસ્તા આવી ગયા. વર્જીન કન્યાએ કહ્યુ: “અહીથી આપણા રસ્તા અલગ થાય છે. એમ લાગે છે મંગળ પર જ જીવન શક્ય છે...”

Comments